ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણી માટે જાહેર કરેલા બે ઉમેદવારો હવે રાજકીય જંગમાંથી ખસી ગયા છે. શનિવારે સવારે પહેલા વડોદરાના ઉમેદવાર અને બે ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો ત્યાં જ સાબરકાંઠા બેઠકના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. જોકે, બંને ઉમેદવારોએ અંગત કારણોસર આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
આ બંને ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કામાં 7 મે ના રોજ જ્યારે ગુજરાતની તમામ 26 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તે માટે ભાજપ અગાઉ 22 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા હતા. જ્યારે અમરેલી, મહેસાણા, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારો નક્કી થઇ શક્યા નથી. વડોદરામાં રંજનબેનને ઉમેદવાર જાહેર કર્યા ત્યારે ભૂતપૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ તેમની સામે વિરોધ નોંધાવતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા અને પછી રંજનબેન વિરુદ્ધ શહેરમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા અને મુદ્દે પોલીસે તપાસ પણ કરી હતી. બીજી તરફ સાબરકાંઠા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને બદલે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, ભીખાજીના નામની જાહેરા થઇ તેના ટૂંક સમયમાં જ તેમની અટક અંગે વિવાદ થયો હતો, સોશિયલ મીડિયા પર ભીખાજીની અટક ઠાકોરના બદલે ડામોર હોવાની ચર્ચા થઇ હતી.