ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 92 લોકસભા બેઠકો માટે રવિવારની સાંજે પ્રચાર પડઘમ શાંત થયાં હતા. મંગળવાર, 7 મેએ આ બેઠકો પર મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી. ગુજરાતની કુલ 26માંથી 25 બેઠકો પર સાત મેએ મતદાન થશે. રાજ્યોમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. અગાઉની બે લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપે વિજય નોંધાવ્યો હતો, તેથી આ વખતે ભાજપ હેટટ્રીક નોંધાવે છે કે નહીં તે જોવાનું રહ્યું.

ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો પર મતદાન થશે.

ત્રીજા તબક્કામાં કુલ 1,351 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના ઉમેદવારોમાં અગ્રણી કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ છે, જ્યારે કોંગ્રેસ તરફથી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ સહિતના નેતાઓનું ભાવિ મતદારો નિર્ધારિત કરશે. અમિત શાહ ગાંધીનગર (ગુજરાત) બેઠક પરથી, સિંધિયા ગુના (મધ્યપ્રદેશ), શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા બેઠક અને દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

ચૂંટણી મેદાનમાં અન્ય દિગ્ગજ નેતાઓમાં મૈનપુરી (ઉત્તર પ્રદેશ) સંસદીય મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડિમ્પલ યાદવની પત્ની અને ધુબરી (આસામ) બેઠક પરથી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલ છે.

ત્રીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને તેના  ‘ન્યાય પત્ર’ના મુદ્દે ઘેરી હતી અને રાહુલ ગાંધીને શાહજાદા ગણાવ્યાં હતાં.  કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને મહેલોમાં રહેતા ‘શહેનશાહ’ ગણાવ્યાં હતાં.

લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થયું હતું. પ્રથમ તબક્કામાં 66.14 ટકા જ્યારે બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીનું પરિણામો 4 જૂને જાહેર થશે.