ભારતની બહુચર્ચિત મુલાકાતને મોકૂફ રાખીને ટેસ્લાના વડા ઇલોન મસ્ક રવિવાર, 28 એપ્રિલે અચાનક ચીનની મુલાકાતે આવી ચડ્યા હતા.  ચીનમાં સેલ્ફ-ડ્રાઇવિંગ સોફ્ટવેરને લોન્ચ કરવામાં ટેસ્લાએ કેટલાંક નિયમનકારી અવરોધો દૂર કર્યા હતા.

મસ્કે એક અઠવાડિયા પહેલા જ પોતાની ભારત યાત્રા સ્થગિત કરી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવી રહ્યા છે અને ભારતીય બજારમાં પ્રવેશવાના યોજનાની જાહેરાત કરવાના છે, પરંતુ તેમની આ મુલાકાત મુલતવી રહેવાને કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

ટેસ્લાના સીઇઓ મસ્ક રવિવારે ચીનની રાજધાનીમાં પહોંચ્યા હતાં. ચીનમાં સેલ્ફ ડ્રાઇવિંગ (FSD) સૉફ્ટવેરના રોલઆઉટ અને ડ્રાઇવિંગ ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી અંગે ચર્ચાવિચારણા થઈ હોવાનું માનવામાં આવે છે. સોમવારે, બે અલગ-અલગ સ્ત્રોતોએ રોઇટર્સને જણાવ્યું હતું કે ટેસ્લાએ ચીનના જાહેર રસ્તાઓ અંગેના ડેટા કલેક્શન માટે ચાઇનીઝ ટેક જાયન્ટના મેપિંગ લાયસન્સનો ઉપયોગ કરવા માટે બાયડુ સાથે કરાર કર્યો હતો. આ કરારને ચીનમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર લોન્ચ કરવાનું પ્રથમ પગલું માનવામાં આવે છે. એક ટોચના ચાઇનીઝ ઓટો એસોસિએશને રવિવારે જણાવ્યું હતું કે ટેસ્લાના મોડલ 3 અને વાય કાર  સહિતના મોડેલોનું ટેસ્ટિંગ કરાયું હતું અને તે ચીનની ડેટા સુરક્ષા જરૂરિયાતો સાથે સુસંગત હોવાનું જણાયું હતું.