વડા પ્રધાન ઋષિ સુનકને 15 વર્ષ અને તેથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે ધૂમ્રપાન પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકતી પ્રસ્તાવિત યોજના અને નવા બિલ બાબતે વ્યાપક પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં મંગળવારે મૂકાયેલા ટોબાકો એન્ડ વેપ્સ બિલ અંતર્ગત 1 જાન્યુઆરી, 2009 પછી જન્મેલ કોઈપણ વ્યક્તિને તમાકુના ઉત્પાદનો વેચી શકાશે નહિં. સુનક તેને ગુનો બનાવીને “ધૂમ્રપાન મુક્ત પેઢી” બનાવવા માંગે છે.

એકવાર આ બિલ સંસદમાં પાસ થશે તો તે નવો કાયદો દેશમાં વિશ્વના કેટલાક કડક ધૂમ્રપાન વિરોધી કાયદાઓ રજૂ કરશે.

સુનકે ગયા વર્ષે ઓક્ટોબરમાં કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે “હું દરખાસ્ત કરું છું કે ભવિષ્યમાં આપણે દર વર્ષે ધૂમ્રપાનની ઉંમર એક વર્ષ વધારીશું. તેનો અર્થ એ છે કે આજે 14 વર્ષની વયના વ્યક્તિને ક્યારેય કાયદેસર રીતે સિગારેટ વેચી શકાશે નહીં અને તેઓ — અને તેમની પેઢી — ધૂમ્રપાન મુક્ત થઈ શકે છે.’’

સંસદમાં બિલ માટે વિપક્ષનું સમર્થન છે. પરંતુ સુનકના બે પુરોગામીઓ લિઝ ટ્રસ અને બોરિસ જોન્સન ટોરીઝ વિરોધી જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે, જેઓ બિલની વિરુદ્ધ “અન-કંઝર્વેટિવ” તરીકે મત આપવાની યોજના ધરાવે છે.

યુકેના હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે “આ બિલ હજારો જીવન બચાવશે અને NHS પરની તાણ હળવી કરશે અને યુકેની ઉત્પાદકતામાં સુધારો કરશે.”

આ પ્રતિબંધનો ઉદ્દેશ્ય લોકોને ધૂમ્રપાન કરવાનું શરૂ કરતા પહેલા જ અટકાવવાનો છે કારણ કે પાંચમાંથી ચાર લોકો 20 વર્ષની ઉંમર પહેલા ધૂમ્રપાન શરૂ કરે છે અને જીવનભર વ્યસની બની રહે છે. યોજનાઓ હેઠળ, ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ અધિકારીઓને બાળકોને તમાકુ અથવા વેપ વેચતી દુકાનોને ઓન-ધ-સ્પોટ 100-પાઉન્ડ દંડ આપવા માટે નવી સત્તાઓ મળશે, અને તમામ નાણાં વધુ અમલીકરણ તરફ જશે.’’

સત્તાવાર આંકડાઓ અનુસાર, ધૂમ્રપાન વાર્ષિક 80,000 જેટલા મૃત્યુ માટે જવાબદાર છે અને તે યુકેનું એકમાત્ર સૌથી મોટું અટકાવી શકાય તેવું કિલર છે. જેના કારણે NHS અને અર્થતંત્રને વાર્ષિક અંદાજિત £17 બિલિયનનો ખર્ચ થાય છે જે તમાકુના કરવેરામાંથી મળતી £10 બિલિયનની વાર્ષિક આવક કરતાં વધુ છે.