કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન યોજ્યું હતું અને રૂપાલાની ઉમેદવારીને રદ કરવા માટે ભાજપને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.

રાજકોટ નજીકના રતનપરમાં રામ મંદિરની સામેના મેદાનમાં યોજાયેલા “ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન”માં બોલતા ગુજરાતના ક્ષત્રિય સંગઠનોની સંકલન સમિતિના નેતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાઇકમાન્ડને કહેવા માંગુ છું કે અમારી ઇવેન્ટનો ભાગ-1 આજે સમાપ્ત થાય છે. અમે ભાજપને 19 એપ્રિલ (ગુજરાતમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ) સુધીનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. હવે નિર્ણય ભાજપે કરવાનો છે.

મેદાનમાં રાજસ્થાનની મહિલાઓ અને રાજપૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં જયપુરથી શ્રી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા પણ હાજર રહ્યાં હતા. સમાજના નેતાઓએ 7 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર ન કરવા અને જો મુદ્દોનો ઉકેલ ન આવે તો ભાજપ વિરુદ્ધ મત આપવાનો સમાજનો સભ્યોનો અનુરોધ કર્યો હતો.

સંમેલનમાં મહિલા નેતા તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે તેમની જેમ ઘણા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો હોઈ શકે છે. પરંતુ આપણે બધા એ રાહ જોઈ રહ્યા છીએ કે તેઓ (PM મોદી) આ ઘટના વિશે શું કહે છે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પ્રદેશના રુદ્રતસિંહ રાણાએ કહ્યું હતું કે “અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અમે અમારી મહિલાઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી સહન નહીં કરીએ.

અહીં ઉલ્લેખનીય છે કે પરષોત્તમ રૂપાલાની 22 માર્ચે ચૂંટણીપ્રચાર દરમિયાન વાંધાનજનક ટીપ્પણી કરતાં જમાવ્યું હતું કે ભારતમાં રજવાડાઓ અંગ્રેજો સામે ઝુકી ગયા હતા અને તેમની સાથે રોટી-બેટીનો વ્યવહાર ચાલુ કર્યો હતો. આ ટીપ્પણીનો વિરોધ થયા પછી તેમણે માફી માગી હતી, પરંતુ ક્ષત્રિયો માફી સ્વીકારવા માટે તૈયાર નથી. રાજકોટમાં રૂપાલાની ટિકિટ કાપવા માગણી થઈ રહી છે. ભાજપે આ માગણી સ્વીકારી નથી અને રુપાલાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘રૂપાલાની ટિકિટ નહીં કપાય તો દેશભરમાં ભાજપનો બહિષ્કાર થશે’ એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી શરૂ થયેલું આ આંદોલન હવે આખા દેશમાં ફેલાય તેવી શક્યતા છે.