અમેરિકામાં અભ્યાસ કરતો પુત્ર ગુમ થયા પછી ભારતમાં તેના માતા-પિતાને $1,200 (એક લાખ રૂપિયા)ની ખંડણીનો ફોન આવ્યો હતો. અજ્ઞાત કોલરે તેમને જાણ કરી હતી કે તેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. કોલરે પુત્રની કિડની વેચવાની પણ ધમકી આપી હતી.

હૈદરાબાદના 25 વર્ષીય અબ્દુલ મોહમ્મદે ગયા મે મહિનામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટી, ઓહિયોમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે ઘર છોડ્યું હતું. તેના પરિવારનો દાવો હતો કે પુત્ર સાથે 7 માર્ચ પછીથી તેમની સાથે વાતચીત થઈ નથી. અબ્દુલના પિતા મોહમ્મદ સલીમને ગયા અઠવાડિયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્રનું ક્લેવલેન્ડમાં ડ્રગ વેચાણકર્તાઓએ અપહરણ કર્યું છે. ફોન કરનારે તેને છોડવા માટે 1200 ડોલરની માંગણી કરી હતી, પરંતુ ચૂકવણીની પદ્ધતિનો ઉલ્લેખ કર્યો ન હતો. જો તેઓ પૈસા આપવાનો ઇનકાર કરશે તો વિદ્યાર્થીની કિડની માફિયાઓને વેચી દેવાની ધમકી પણ આપી હતી.

આ અંગે માતા-પિતાએ યુએસમાં રહેતા તેમના સંબંધીઓને જાણ કરી હતી, જેમણે ક્લેવલેન્ડ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. 12 દિવસથી ગુમ થયેલવો અબ્દુલ છેલ્લે ક્લેવલેન્ડની 13મી સ્ટ્રીટમાં જોવા મળ્યો હતો, તેને વ્હાઈટ ટી-શર્ટ અને રેડ જેકેટ તેમજ બ્લૂ જિન્સ પહેર્યા હતા. અમેરિકાની પોલીસે તેનો એક ફોટોગ્રાફ જારી કર્યો હતો અને માહિતી આપવા જનતાને અપીલ કરી હતી. 25 વર્ષનો અબ્દુલ પાંચ ફુટ આઠ ઈંચની ઉંચાઈ ધરાવે છે તેમજ તેનું વજન 68 કિલો છે. તેના પિતા પાસેથી 1200 ડોલરની ડિમાન્ડ કરનારા વ્યક્તિએ તેમને વોટ્સએપ પર એક મેસેજ પણ મોકલ્યો હતો, જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે તેમનો દીકરો મોટી તકલીફમાં છે.