સર અનવર પરવેઝે સ્થાપેલા ધ બેસ્ટવે ગ્રુપની આવક જૂન 2023માં સમાપ્ત થયેલા વર્ષ માટે 5 ટકા વધી £4.74 બિલિયન થઈ હતી, જ્યારે ગ્રૂપે £420.9 મિલિયનનો ટેક્સ પહેલાનો નફો નોંધાવ્યો હતો.

ગ્રુપના મજબૂત નાણાકીય દેખાવ માટે ઝડપથી બદલાતી બજારની સ્થિતિને પ્રતિસાદ આપવાની વ્યૂહરચના કારણભૂત છે. ગ્રુપે યોગ્ય નીતિઓ દ્વારા બિઝનેસ પરના મુખ્ય જોખમોને ઘટાડવા માટે જરૂરી પગલાં પણ લીધાં હતાં.

બિઝનેસમાં સતત વૃદ્ધિ ઉપરાંત વર્ષ માટેની ગ્રૂપની મુખ્ય સફળતા ફાર્માસ્યુટિકલ્સ હોલસેલર લેક્સોનની ખરીદી છે. પાકિસ્તાનમાં આ જૂથે બે સિમેન્ટ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ કર્યું છે. હાલમાં ગ્રુપની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 15.3 મિલિયન ટન છે.

ગ્રૂપના પોર્ટફોલિયોમાં યુકેની સૌથી મોટી સ્વતંત્ર ફૂડ હોલસેલ (બેસ્ટવે હોલસેલ) અને યુકેની બીજી સૌથી મોટી રિટેલ ફાર્મસી ચેઇન (વેલ ફાર્મસી)નો સમાવેશ થાય છે. ગ્રૂપના બીજા બિઝનેસમાં પાકિસ્તાનની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક (બેસ્ટવે સિમેન્ટ) અને પાકિસ્તાનની બીજી સૌથી મોટી ખાનગી બેંક (યુનાઈટેડ બેંક લિમિટેડ)નો સમાવેશ થાય છે.

વર્ષ દરમિયાન બેસ્ટવે ગ્રુપે તેનો પરોપકારી અભિગમ ચાલુ રાખ્યો અને £2 મિલિયન પાઉન્ડનું ડોનેશન આપ્યું હતું.

નાણાકીય દેખાવ અંગે બેસ્ટવે ગ્રૂપના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ લોર્ડ ચૌધરીએ જણાવ્યું હતું કે મોટા પડકારો અને અસ્થિરતા હોવા છતાં જૂથે ગ્રાહકોને ટેકો આપવા માટે વૃદ્ધિ, સેવા અને કાર્યક્ષમતા પર તેનું ધ્યાન જાળવી રાખ્યું હતું તથા વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવીને વાસ્તવિક પ્રતિકારક્ષમતા દર્શાવી હતી. આ નાણાકીય પરિણામો અમારા બિઝનેસ મૉડલની ચપળતાનો પુરાવો છે, જે આગામી વર્ષમાં પણ વૃદ્ધિ સુનિશ્ચિત કરશે.

બેસ્ટવે ગ્રુપના ચેરમેન સર અનવર પરવેઝે જણાવ્યું હતું કે “ગ્રુપે 2023માં તેની વૃદ્ધિની ગતિ ચાલુ રાખી છે અને અમને વિશ્વાસ છે કે અમારા બિઝનેસ 2024 દરમિયાન તેમના સંબંધિત બજારોમાં હિસ્સો મેળવવાનું ચાલુ રાખશે.